Thursday, 16 February 2017

પ્રેમ શું છે અને એનું શું મહત્વ છે.

સમુદ્રની વચ્ચે આવેલા એક નાના ટાપુ પર અહંકાર , લાલચ , હતાશા , આનંદ અને પ્રેમ રહેતા હતા. એકવાર સમુદ્રનું પાણી ટાપુ પર આગળ વધવા લાગ્યુ. બધાને થયુ કે હવે આ ટાપુ નહી બચે આથી ટાપુ પર રહેતા દરેક સલામત જગ્યાએ જવાની તૈયારી કરવા લાગ્યા. પ્રેમને ટાપુ સાથે ખુબ લગાવ હતો આથી એ ટાપુના એક એક ખુણે આંટો મારવા ગયો અને બધી જગ્યાને એણે ખુબ વહાલ કર્યુ 

પાણી હવે તો ઘુટણ સુધી આવી ગયુ. પ્રેમ સલામત જગ્યાએ જવા માટે તૈયાર થયો પણ એમની પાસે હોડી નહોતી. હવે શું કરવું એની ચિંતામાં પ્રેમ માથે હાથ મુકીને બેઠો હતો ત્યારે જ અહંકાર પોતાની હોડી લઇને ત્યાંથી નીકળ્યો.પ્રેમે હોડીમાં બેસવા દેવા વિનંતી કરી એટલે અહંકારે કહ્યુ , " મારી હોડી તો સમૃધ્ધિથી છલોછલ ભરી છે. બેસવા માટેની કોઇ જગ્યા જ નથી માટે હું તને મારી સાથે નહી લઇ જઇ શકુ." 

થોડીવારમાં લાલચ ત્યાંથી પોતાની હોડી લઇને નીકળી એટલે પ્રેમે એમને પણ પોતાની સાથે લઇ જવા માટે વિનંતી કરી. લાલચે કહ્યુ , " હું તને મારી સાથે લઇ જવા માટે તૈયાર છુ પણ તું મને શું આપીશ ? " પ્રેમે કહ્યુ , " હું આ છેલ્લી ઘડીએ ટાપુના કણ-કણને પ્રેમ કરવામાં વ્યસ્ત હતો એટલે હું બીજુ કંઇ મારી સાથે લઇ શક્યો નથી આથી તને કંઇ આપી શકુ તેમ નથી." લાલચને સમજાઇ ગયુ કે આ તો લુખ્ખો છે એટલે એણે પણ પોતાની હોડી ભગાવી મુકી. 

હવે શું થશે એવા વિચારમાં ડુબેલા પ્રેમને કોઇના ગાવાનો અવાજ સંભળાયો. એણે જોયુ તો આનંદ પોતાની હોડી લઇને જતો હતો. પ્રેમે ખુબ બરાડા પાડ્યા પણ આનંદ તો પોતાની મસ્તીમાં હતો આથી એને પ્રેમનો અવાજ સંભળાયો જ નહી. થોડીવારમાં હતાશા રડતા રડતા નીકળી એનો રડવાનો અવાજ એટલો ઉંચો હતો કે એને પણ પ્રેમનો અવાજ ન સંભળાયો 

પ્રેમને થયુ હવે એમનું મોત નિશ્વિત છે.પ્રેમ રડવા લાગ્યો બરાબર એ જ સમયે એક અજાણ્યા માણસે આવીને પ્રેમને કહ્યુ , " અરે ભાઇ , રડવાનું બંધ કર ચાલ મારી હોડીમાં બેસી જા." પ્રેમના જીવમાં જીવ આવ્યો. એ કુદકો મારીને હોડીમાં બેસી ગયો. કાંઠે પહોંચ્યા પછી એ એવા તો આનંદમાં હતો કે પોતાનો જીવ બચાવનાર એ ભલા માણસનું નામ પુછવાનું ભુલી જ ગયો.  

પ્રેમ પોતાના મિત્ર જ્ઞાનના ઘરે ગયો અને આખી ઘટના જ્ઞાનને સંભળાવી. જ્ઞાને કહ્યુ , " તને બચાવનાર કોણ હતુ એની મને ખબર છે " પ્રેમ કહે , " યાર જલ્દી મને એનુ નામ કહે એ મહાપુરુષ કોણ હતા ? " જ્ઞાને કહ્યુ , " તને બચાવનાર સમય હતો. કારણકે માત્ર સમય જ જાણે છે કે પ્રેમ શું છે અને એનું શું મહત્વ છે ! " 

મિત્રો , અહંકારની અવળચંડાઇમાં , લાલચના લગાવમાં , આનંદના અતિરેકમાં કે હતાશાની હૈયાવરાળમાં પ્રેમની સંભાળ લેવાનું ચુકાય ન જાય એ જોજો.